રાજકોટઃ આવકવેરા વિભાગે રાજકોટની ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાન્ઝેક્શનોમાં જંગી કથિત વિસંગતતાઓ ઝડપી છે. ઈડી પ્રમાણે, નોટબંધી બાદ રાજબેંકમાં રૂ. ૮૭૧ કરોડ જમા થયા હતા. ૪,૫૦૦ નવા ખાતાં ખૂલ્યા અને ૬૦થી વધુ ખાતાં એક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું માલૂમ પડ્યું છે. નોટબંધી પછી બ્લેક ફંડ જનરેશનના સૌથી મોટા કેસો પૈકીનો એક ગણાય છે. રાજ બેંકમાં વર્ષમાં સરેરાશ ૫,૦૦૦ નવા ખાતાં ખૂલે છે. નોટબંધી બાદના ૨૦ દિવસમાં જ ૪,૫૫૧ નવા ખાતાં ખૂલ્યા હોવાનું જાણીને આવકવેરા અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બીજી તરફ રાજ બેંકનું કહેવું છે કે, નોટબંધી બાદ ૧૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધીમાં બેંકમાં રૂ. ૫૦૦ ૧૦૦૦ની જૂની નોટો દ્વારા રૂ. ૧.૩૩ લાખ ખાતેદારોએ ૮૭૧ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.